પ્રેમનું ધન મેળવી ખન ખન કરે છે દીકરી

પ્રેમનું ધન મેળવી ખન ખન કરે છે દીકરી
મન મગન થઈ જાય તો છન છન કરે છે દીકરી
 
બારણા પર સાથીયો કાઢે અને દીવો ધરે
આવનારાઓનું અભિનંદન કરે છે દીકરી
 
યુગ પ્રમાણે જે જરૂરી હોય તે કર્યા કરે
મૂલ્યનું પણ રોજ મૂલ્યાંકન કરે છે દીકરી
 
સજ્જનોને પગ પડે છે દુર્જનોને ઘા કરે
માણસોને જોઈ ને વર્તન કરે છે દીકરી
 
થાકે મન તો મન થકી મનની મથામણમાં મથી
મંથ પહેલા ને પછી મંથન કરે છે દીકરી
 
જે કોઈ બોલ્યું નહીં ને જે લખાયું પણ નથી
એ અદૃશ્ય આખ્યાનનું વાંચન કરે છે દીકરી
 
થોભશે જાણે કયા દિવસે હવસ તારું હવન

નિત સ્વયંની આહુતિ અર્પણ કરે છે દીકરી

No comments:

Post a Comment